ભાજપાએ શિવસેના સાથે રમત રમ્યા બાદ અકળાયેલા ઉદ્ધવ ઠાકરે
મુંબઈ ખાતે શિવસેના ભવનમાં તાત્કાલિક બેઠક બોલાવી હતી અને નિર્ણય કર્યો
હતો કે, શિવસેના વિપક્ષમાં બેસશે. શિવસેના ભવન બહાર ટેકેદારોએ ભાજપ વિરોધી
નારા લાગવ્યા હતા. બેઠક બાદ પત્રકારોને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકેરે કહ્યું
હતું કે, ભગવા આતંકવાદ જેવો શબ્દ હિન્દુત્વવાદી પક્ષો માટે વાપરનારા
એનસીપીનો સાથ જો ભાજપ લેશે તો શિવસેના તેમનાથી અલગ ચાલવાનું પસંદ કરશે.
શિવસેનાએ તેના વિધાયક દળના નેતા તરીકે એકનાથ શિંદેને પસંદ કર્યા હતા. ઉદ્ધવ
ઠાકેરે જણાવ્યું હતું કે, અમે મહારાષ્ટ્રને ન્યાય અપાવીશું. અકળાયેલા
લાગતા ઠાકેરે કહ્યું કે, ભાજપ પહેલા કેન્દ્ર અંગેની સ્થિતિ સ્પષ્ટ કરે
ત્યાર પછી રાજ્યમાં ટેકા અંગે અમે વિચારીશું. તેમણે ઉમેર્યું કે, અમને કોઈ જ
ઉતાવળ નથી. અમે રાહ જોઈશું. ભાજપ શરદ પવારનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ટેકો
લેશે. તો અમે ભાજપની સાથે નહીં રહીએ એવી સ્પષ્ટ વાત કરતાં તેમણે ઉમેર્યું
કે, અમે ઈચ્છતા હતા કે, મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બને. હિન્દુત્વવાદી
તાકાત એક સાથે રહે પણ ભાજપ જો એનસીપી સાથે હાથ મિલાવે તો અમારો રસ્તો અલગ
છેે. શિવસેના હિન્દુત્વવાદ અને મહારાષ્ટ્રને બચાવવાની વાતને હંમેશા
પ્રાથમિકતા આપશે. અમે લાચાર નથી. હું એકલો ચાલી શકું છું. શિવ સૈનિક જેટલા
પણ છે એ તમામને મારા પર તેમજ મારા નિર્ણય પર ભરોશો છે. અને તેઓ મારી સાથે જ
રહેશે. સુરેશ પ્રભુ ભાજપ સાથે જોડાયા એ બાબતે તેમણે કમનીસબ ગણાવી હતી અને
સ્પષ્ટ કર્યું હતું કે, હજુ સમય બાકી છે. આગામી ત્રણ દિવસોમાં વધુ રાજકીય
ઉથલપાથલના એંધાણ પણ તેમણે આપ્યા હતા.